Tuesday 14 May 2019

પંચકર્મ

આરોગ્ય ગીતા - વત્સલ વસાણી
પંચકર્મ
(ગતાંકથી ચાલુ
રોગને જડમૂળથી નાબુદ કરે તેવી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ: પંચકર્મ
પંચકર્મ શરીરની કુદરતી પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કર્યા વિના જ દોષોને બહાર કાઢવાનું કામ કરે છે.
પંચકર્મ એ બિલકુલ નૈસર્ગિક અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. કુદરતી રીતે આપણા શરીરમાં જે દોષો કે મળો એકઠા થાય તે કુદરતી રીતે જ બહાર નીકળતા રહે છે. ફેફસામાં કે આમાશયમાં કફ એકઠો થાય તો શરીર એને કોઇ ને કોઇ રીતે મોં વાટે બહાર કાઢે છે. ગળામાંથી ખેંચીને ઘણા લોકો રોજ થોડો કફ બહાર કાઢતા હોય છે. નાના બાળકને પણ ક્યારેક કફની ચીકણી ઊલટી થઇ જતી હોય છે. ફેફસામાં ભરેલો કફ પણ રોજેરોજ થોડો ઘણો ખાંસી દ્વારા બહાર નીકળે છે.
ખાધેલા ખોરાકમાંથી છેવટે જે મળ ઉત્પન્ન થાય તેને આંતરડા ઝાડા-વાટે શરીરની બહાર કાઢે છે. ૨૪ કલાકમાં એકથી બે વાર મળ બહાર ફેંકાય ત્યાં સુધી પ્રાકૃત છે. વાછૂટ કે ઓડકાર દ્વારા વાયુ પણ કુદરતી રીતે જ બહાર ફેંકાય છે. આમ છતાં ઘણી વાર જોઇએ એટલા પ્રમાણમાં મળો બહાર ફેંકાતા નથી. અને શરીરમાં પોત પોતાના સ્થાનમાં એકઠા થતા રહે છે.
હોજરી અને આમાશયમાં કફ એકઠો થાય છે. આંતરડામાં અને પક્વાશયમાં વાયુ એકઠો થાય છે. મળાશયમાં ક્યારેક કબજિયાત વગેરે રોગો દ્વારા એકઠા થયેલા દોષોને શરીરના કુદરતી માર્ગેથી પોતપોતાના સ્થાનમાંથી બહાર કાઢવાની કુદરતી પ્રક્રિયા એ પંચકર્મ છે. પંચકર્મ શરીરની કુદરતી પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કર્યા વિના જ દોષોને બહાર કાઢવાનું કામ કરે છે.
શરીરના ઉપરના ભાગમાં - હોજરી વગેરેમાં એકઠા થયેલા કફને વમન એટલે કે (પંચકર્મ દ્વારા કરાવવામાં આવતી) ઊલટી દ્વારા બહાર કાઢી નાખવામાં આવે છે. માથામાં એકઠા થયેલા દોષોને અને ખાસ કરીને કફને 'નસ્ય' દ્વારા બહાર કાઢવામાં આવે છે.
વિરેચન એ પિત્તને બહાર કાઢી નાખવા માટેની કુદરતી ક્રિયા છે. અનુવાસન અને આસ્થાપન નામની બસ્તિ દ્વારા પ્રકુપિત થયેલા વાયુને બહાર કાઢવામાં આવે છે. આમ પંચકર્મ એ શરીરને સ્વચ્છ કરવાની એક વૈજ્ઞાાનિક પ્રક્રિયા અને નૈસર્ગિક વિધિ છે.
યોગશતક નામના પ્રાચીન પુસ્તકમાં આ અંગે એક સુંદર શ્લોક છે. જે આ વિભાગના વાચકો સમક્ષ સરળ અનુવાદ સહિત મુકવાની ઈચ્છાને રોકી શકતો નથી. આયુર્વેદના મતાનુસાર વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષોની વિષમતાને કારણે વિવિધ રોગો થાય છે. એ ત્રણે દોષો વધીને પ્રકુપિત થાય ત્યારે શરીર શુદ્ધિના હેતુથી ચિકિત્સા આ પ્રમાણે કરવી.
'કફપ્રકોપે વમનં સ નસ્યં
વિરેચનં પિત્ત ભવે વિકારે, ।
વાતાધિકે બસ્તિ વિશોધનં ચ
સંસર્ગજે ચ પ્રવિમિશ્રમેતત્ ।।'
(યોગશતક-૧૪)
માથામાં કફ એકઠો થઇને પ્રકુપિત થાય (અને શરદી વગેરે રોગો કરે) ત્યારે નસ્ય આપવું. હોજરીમાં અને ફેફસામાં કફ વધી જાય અને પ્રકુપિત થઇ ખંજવાળ વગેરે કફજન્ય રોગો કરે ત્યારે વમન કરાવવું. વમન એટલે ઊલટી દ્વારા કફને બહાર કાઢવાની શાસ્ત્રીય વિધિ. 
પિત્ત વધી ગયું હોય અને એ કારણે શરીરમાં ક્યાંય પણ બળતરા કે એવા કોઇ પિત્તજન્ય રોગો થયા બાબતે વિરેચન કરાવવું. અને વાત પ્રકોપના કારણે (કમરમાં દુખાવો વગેરે) વાન્યુજન્ય રોગો થયા હોય ત્યારે બસ્તિ આપવી હિતકારક છે. જો બે દોષ સાથે હોય તો તે મુજબ બે પ્રકારના ઉપચારો કરવા અને ત્રણ દોષોનું મિશ્રણ હોય તો ત્રણે માટેના ઉપચાર યોજવા હિતાવહ છે.
પંચકર્મ એટલે શું ? પંચકર્મો કયા કયા ?
વમન રેચનં નસ્યં નિરુહશ્વાનુવાસનમ્ ।
એતાનિ પંચ કર્માણિ કથિતાનિ મુનિસ્વરૈઃ ।।
(શારંગધર સંહિત ઉ.તં. ૭૦)
શારંગધરે શ્લોકબદ્ધ કરેલા પાંચ કર્મો આ પ્રમાણે છે.
(૧) વમન: વમનમાં ઊલટી દ્વારા દોષોને બહાર કાઢવામાં આવતા હોવા છતાં પંચકર્મની પરિભાષામાં જેને 'વમન' કહેવામાં આવે છે તે માત્ર ઊલટી નથી. પરંતુ કોઠામાં એકઠા થયેલા કફ વગેરે દોષોને મુખ માર્ગે બહાર કાઢવાની એ શાસ્ત્ર સંમત ચિકિત્સા છે. 
વમન કરાવતાં પહેલાં જરૂરિયાત પ્રમાણે લંઘન (યા લઘુ ભોજન), એ પછી યોગ્ય માત્રામાં ઔષધ સિદ્ધ ઘૃતપાન (સ્નેહપાન) કરાવ્યા બાદ અભ્યંદગ એટલે કે આખા શરીર પર અનુલોમ ગતિથી ઔષધ સિદ્ધ તેલ દ્વારા માલિશ કર્યા પછી સ્વેદન એટલે કે પસીનો આવે ત્યાં સુધી બાફ (સ્ટીમ) આપીને આખા શરીરમાં વ્યાપ્ત થયેલ દોષોને પીગળાવી, કોઠામાં લાવી ઊર્ધ્વ માર્ગે એટલે કે મુખ દ્વારા એ દોષઓને ઊલટી રૂપે બહાર કાઢવાની ક્રિયા એટલે વમન.
મુખ્યત્વે આ ક્રિયા કફના રોગોને દૂર કરવા માટે કરાતી હોય છે. જૂની શરદી, કફયુક્ત ખાંસી, શ્વાસ, અપચો, વારંવાર મોંમાં કફ આવ્યા કરવો, અરુચિ, જમવાની ઈચ્છા જ ન થવી કે મોળ આવવી, વધુ પડતી ચરબી, સુસ્તી, વધુ પડતી ઊંઘ, આળસ, કફ રહેતો હોય એવી જૂની શરદી, ખંજવાળ આવતી હોય એવા ચામડીના રોગો અને આ સિવાય પણ અનેક રોગોમાં વમન કરાવવામાં આવે છે.
આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં વમન કોને કરાવવું ? કોને ન કરાવવું ક્યારે કરાવવું ? વમન બરાબર થયું કે ન થયું ? તેના લક્ષણો શા ? આવી બધી બાબત વિશે ઊંડાણથી માર્ગદર્શન આપવામાં આવેલું છે.
(૨) વિરેચન: લોક ભાષામાં જેને ઝાડા કહે છે તે જ આ વિરેચન નથી. વિધિવત્ પૂર્વ કર્મ (સ્નેહન - સ્વેદન) કરાવ્યા પછી આંતરડામાં એકઠા થયેલા દોષોને વિરેચક ઔષધો દ્વારા ગુદા માર્ગે કાઢવાની ક્રિયા એટલે વિરેચન. આયુર્વેદ અનુસાર પિત્તના રોગોની એ શ્રેષ્ઠ (શોધન) ચિકિત્સા છે.
ચામડીના રોગો, પેટના રોગો, અર્શ, ભગંદર, માથાનો દુખાવો, મુખપાક, બળતરા, શ્વાસ, ખાંસી, અપસ્માર (વાઇ), ગાંડપણ, અરુચિ, ઊલટી, સોજા પેટમાં ગયેલું (ગર) વિષ, કબજિયાત વગેરે રોગોમાં વિરેચન કર્મ કરાવવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
(૩) અનુવાસન (સ્નેહ) બસ્તી: જુદા જુદા ઔષધ દ્રવ્યોથી સિદ્ધ કરેલા ઘી તથા તેલ જેવા સ્નેહને ગુદાદ્વારથી આંતરડામાં (પકવાશયમાં) દાખલ કરી વાયુને જીતવાની પદ્ધતિને અનુવાસન બસ્તિ કહે છે.
આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં જેને 'ઍનિમા' કહે છે તે જ આયુર્વેદની 'બસ્તિ ચિકિત્સા' છે એવું માનવાની ભૂલ ન કરવી. બસ્તિ એ આયુર્વેદની એક અદ્ભુત ચિકિત્સા પદ્ધતિ છે. વિવિધ ઔષધો દ્વારા વાયુના ૮૦ જેટલા રોગોને કાબુમાં લેવાની એ વિધિ છે. શાસ્ત્રકારોએ સો ટકા ચિકિત્સામાંથી પૂરા પચાસ ટકા જેટલું સ્થાન તો એકલી બસ્તિ ચિકિત્સાને જ આપ્યું છે.
એક બાજુ તમામ પ્રકારના ઔષધો મૂકો અને બીજી બાજુ એકલી 'બસ્તિ' ચિકિત્સાને મૂકો તો બન્ને પલ્લા બરાબર થાય એવું સમીકરણ આપણા શાસ્ત્રકારોએ સ્વીકાર્યું છે. બસ્તિ અનેક પ્રકારની, વિવિધ રોગો પ્રમાણેની અને અનેક ઔષધોથી યુક્ત બતાવવામાં આવી છે.
વાયુના અનેક રોગો આ અનુવાસન બસ્તિથી મટે છે. આખા શરીરમાં કે કોઇ એક અંગમાં વ્યાપેલો અને પ્રકુપિત થયેલો વાયુ જે કોઇ વ્યાધિને જન્મ આપે તેને જીતવાનું કામ આ અનુવાસન બસ્તિ કરે છે. વાયુના અનેક રોગો જેવા કે પક્ષાઘાત (પેરાલીસીસ-લકવો), અડદિયો વા (ફેસિયલ પેરાલિસીસ), કમરનો દુખાવો, આખા શરીરમાં વાયુના કારણે તોડ થવી, પેશાબ અટકી અટકીને આવવો, અવાજ સાથે, ઓછો અને તીવ્ર દુર્ગંધ યુક્ત ઝાડો થવો, ઝાડા પેશાબની કબજિયાત રહેવી, વાછૂટ બરાબર ન થવી. 
વીર્ય દોષના કારણે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવી, પેટમાં આફરો રહેવો, ગોળો ચડવો, માથામાં અને કાનમાં દુખાવો થવો, હૃદયમાં, પડખામાં સાંધામાં, જાંઘમાં તથા પગની એડીમાં દુખાવો થવો, માસિક ઓછું આવવું અથવા તો નાની ઉંમરમાં બંધ થઇ જવું. આંતરડામાં વાયુ ભરાવાથી ગડગડાટ થયા કરવો આવા બધા રોગોમાં અનુવાસન બસ્તિ ખૂબ સારું પરિણામ આપે છે.
રુક્ષ (લૂખું રહી ગયેલું શરીર, તીક્ષ્ણાગ્નિ તથા કેવળ વાત રોગથી પીડિત રોગીઓ માટે આ અનુવાસન બસ્તિ અનેરું કામ કરે છે. મૂળમાં પાણી રેડવાથી જેમ એ સંપૂર્ણ વૃક્ષમાં પ્રસરી જાય છે તેમ ગુદાદ્વારથી આંતરડામાં ચડાવેલો સ્નેહ (તેલ-ઘી વગેરે સ્નિગ્ધ દ્રવ્ય) સંપૂર્ણ શરીરમાં પ્રસરી જાય છે.
(૪) આસ્થાપન - નિરુહ બસ્તિ: ઔષધ દ્રવ્યોનો ઉકાળો બનાવી તેમાં શુદ્ધ મધ, સિંધાલૂણ તથા ઔષધિ કલ્ક મેળવી તે પ્રવાહીને ગુદાદ્વારથી આંતરડામાં પહોંચાડી સંપૂર્ણ શરીરના વાયુને જીતવાની વિધિ એટલે નિરુહ બસ્તિ. આ વિધિ દ્વારા ગુદાથી આંતરડા સુધીનો માર્ગ શુદ્ધ થાય છે.
આઠ પ્રકારના મહારોગને મટાડવાની આ એક સિદ્ધ ચિકિત્સા છે. ભયંકર વાત વ્યાધિઓમાં આ આસ્થાપન બસ્તિ આપવાથી મૂળમાંથી કપાતા જેમ વૃક્ષ નાશ પામે છે તેમ વાયુના મૂળનું છેદન થવાથી સર્વ વિકારો નાશ પામે છે.
આ નિરુહ બસ્તિના કાર્ય પ્રમાણે ઘણા ભેદ પાડી શકાય, જેમ કે શરીરમાં વધી ગયેલા મેદને ઘટાડવા માટે કર્ષણ બસ્તિ, શરીર પાતળું હોય તેને પુષ્ટ કરવા માટે બૃંહણ બસ્તિ, શરીરની ધાતુઓને વધારી વૃદ્ધાવસ્થાને દૂર ઠેલનારી બસ્તિને રસાયન બસ્તિ કહે છે અને જાતીય શક્તિને વધારી પુરુષને બળવાન બનાવનારી બસ્તિને વાજિકરણ બસ્તિ નામ આપવામાં આવ્યું છે. આ રીતે કર્મ અનુસાર અનેક બસ્તિભેદ શાસ્ત્રકારોએ વર્ણવેલા છે. અનુવાસન બસ્તિથી મટતા જે કોઇ રોગના નામો એ બસ્તિના વર્ણન વખતે લખ્યા છે તે આ આસ્થાપન બસ્તિ દ્વારા પણ મટે છે.
(૫) નસ્ય: આ પાંચમું કર્મ હાંસડી (ગરદન)થી ઉપરના નાક, કાન, આંખ, વાળ, મગજ વગેરેના રોગોને મટાડે છે. આ ઉપરાંત નસ્ય ચિકિત્સાથી આંખોનું તેજ વધે છે. કાન સારા થાય છે. દાંત મજબૂત બને છે. જૂની શરદી, નાક બંધ થઇ જવું, શ્વાસ લેવામાં અવરોધનો અનુભવ થવો વગેરે વગેરે નાકના રોગોને આ નસ્ય ચિકિત્સા દૂર કરે છે. વાળ ખરતા હોય કે ખોડો થતો હોય તો પણ નસ્ય પ્રયોગથી રાહતનો અનુભવ થાય છે. અવાર નવાર નસ્ય પ્રયોગ કરાવતા રહેવાથી વાળ લાંબા, કાળા, સુંવાળા તથા મજબૂત બને છે.
ગુજરાત સમાચાર તા. 15/05/2019
શતદલ પૂર્તિ
આરોગ્ય ગીતા : વત્સલ વસાણી
........................................................
પંચકર્મ થેરાપીના ફાયદા...ડો. ઉન્નતિ ચાવડા
પંચકર્મ ચિકિત્સા : આયુર્વેદના અમૂલ્ય રત્નો
મોટામાં મોટા રોગ નો ઇલાજ છે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા.
આયુર્વેદ માત્ર સારવાર પધ્ધતિ જ નથી, આયુર્વેદ નો અર્થ છે જીવન જીવવાની સાચી રીત.
કોઇપણ જૂનામાં જુના ગંભીર રોગોનો ઈલાજ છે આયુર્વેદની પંચકર્મ પધ્ધતિ, શરીરનું કરો સંપૂર્ણ શુધ્ધિકરણ.
આ ચિકિત્સા પધ્ધતિથી વિવિધ રોગો જેમ કે ચામડીના રોગો, સોરાયસીસ વગેરે તથા સાંધાના રોગો જેમ કે સંધિવાત, આમવાત, કમર તથા મણકાના દુઃખાવામાં સારા પરિણામો મળે છે. ખાસ કરીને ચેતાતંત્રના રોગો જેવાકે સાઇટીકા, પક્ષઘાત તેમજ અન્ય ચેતાતંત્રના રોગોમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે. હઠિલા રોગોમાં પંચકર્મ ચિકિત્સા શ્રેષ્ઠ છે. જ્યારે શરીરમાં અસાધ્ય અને કષ્ટ સાધ્ય રોગો લાગુ પડે ત્યારે સારવાર કારગત નીવડે છે. પંચકર્મ વિધિથી શરીરને ઝહેરીલા તત્વો થી મુક્ત કરી શકાય છે. આનાથી શરીરની બધી જ શીરાઓની સફાઈ થઈ જાય છે. પંચકર્મ પદ્ધતિ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. સંધિવાત- ે કારણે ઉત્પન્ન થતા સાંધાના દુખાવામાં પંચકર્મ ચિકિત્સા અત્યંત અસરકારક હોય છે.
પંચ એટલે પાંચ, કર્મ એટલે પ્રક્રિયા, આમ અલગ અલગ રોગો માટે કરવામાં આવતી મુખ્ય પાંચ પ્રક્રિયાઓ એટલે પંચકર્મ. આમાં પાંચ ક્રિયાઓ નો સમાવેશ થાય છે , જેથી પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે. પંચકર્મ એટલે-એવા પાંચ કર્મ જેના દ્વારા શરીરમાં વધેલા અને વિકૃત થયેલા વિવિધ દોષો બહાર કાઢવાની પ્રવૃત્તિઓ.
જેવી રીતે મેલા કપડા ને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મ થી શરીર ની સાફ સફાઇ થી શરીર ની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણો માં મુખ્ય છે, આ ત્રણેય ને દોષ કહેવામાં આવેલ છે. આ દોષો ના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગ માંથી પંચકર્મ દ્વારા તે દોષ ને દૂર કરવામાં આવે છે.
પંચકર્મ વિધિથી શરીરને ઝહેરીલા તત્વો વડે મુક્ત કરી શકાય છે. આનાથી શરીરની બધી જ શીરાઓની સફાઈ થઈ જાય છે. પંચકર્મ પદ્ધતિ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. સાધારણથી લઈને ગંભીર બિમારીઓમાં પણ આ પદ્ધતિ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થઈ છે. તાકાત વધે છે, પાચનશક્તિ વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, ચામડીની ચમક વધે છે, પાચન તંત્રની કાર્ય શક્તિ સુધરે છે, સ્મરણશક્તિ ગ્રહણશક્તિ વધે છે, આંખોનું તેજ વધે છે. મન અને માનસિક ભાવો પર પણ પંચકર્મ ની પોઝીટીવ અસરો થાય છે.
આયુર્વેદ નો અર્થ એ માત્ર રોગો નુ નિદાન કરવુ નથી. પરંતુ , આયુર્વેદ એ આપણ ને યોગ્ય જીવન જીવવા ની જીવનશૈલી પણ શીખવે છે. આયુર્વેદ એ પ્રાચિન ભારતની ઓળખાણ છે.
વર્તમાન સમય મા માનવી નુ જીવન યંત્ર જેવુ બની ગયુ છે. વધુ પડતુ આધુનિક અને વ્યસ્તતા ભરેલા જીવન ના લીધે માનવી ના ભોજન તથા રહેણીકરણી મા અવ્યવસ્થા ઉદભવે છે. શહેરોમાં તો સમયને અભાવે કે સ્વાદના શોખીનો સમયને અવગણીને ભરપૂર મસાલાવાળા ખોરાકની મોજ માણે છે -પરિણામે નાની વયમાં અનેક રોગ શરીરમાં ઘર કરી જાય છે. સતત તાણયુક્ત જીવન અનેક સમસ્યાઓ ઊભી કરે છે. 
શરીર ને તંદુરસ્ત રાખવા માટે શરીર મા આ પંચકર્મ દ્વારા શુધ્ધિકરણ કરવુ પણ અનિવાર્ય છે. જે પ્રમાણે વસાવેલા વાહન, કાર કે સ્કૂટરની ચોક્ક્સ સમય બાદ મરામત કરાવવી જરૂરી છે. જેથી મુસાફરીમાં તકલીફ ન પડે’. શરીરનું પણ કંઈક આવું જ છે રોજેરોજ તેની કાળજી લેવામાં ન આવે તો તે ગમે ત્યારે બંધ પડી જઈ શકે છે. આજે લોકોમાં ખોટી લાઈફસ્ટાઈલને કારણે જ સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી છે. 
આપણા પારંપારિક આયુર્વેદ, પંચકર્મ અને યોગમાં તંદુરસ્તીનાં અનેક રહસ્યો છુપાયેલાં છે.
સાજા વ્યક્તિ પણ પંચકર્મ કરાવી શકે છે.
બાળક થી લઇને વૃદ્ધ સુધી કોઇ પણ વ્યક્તિ પંચકર્મ ની સારવાર કરાવી શકે છે, જોકે અમુક પરિસ્થિતિ માં અમુક કર્મો કરાવી શકાતા નથી, કોઇ પણ રોગ માં તો પંચકર્મ કરાવી જ શકાય છે પણ સાજા વ્યક્તિ પણ પંચકર્મ કરાવી શકે છે. પંચકર્મ જરૂર મુજબ ફરી પણ કરાવી શકાય, ક્યા પ્રકારનું પંચકર્મ કરાવીએ તેના પર આ સમય આધાર રાખે છે. જો કે સાજા માણસ માટે વર્ષ માં એક વાર પંચકર્મ કરાવવુ જોઇએ.
અલગ અલગ પંચકર્મ ની ક્રિયા માં અલગ અલગ સમયે પરેજી માં ફેરફાર હોય છે. જો કે મોટા ભાગે પંચકર્મ દરમ્યાન પરેજી નું વિશેષ ધ્યાન રાખવુ પડે છે. કારણકે આ સમયગાળા દરમ્યાન શરીર માં ઘણા ફેરફારો થતા હોય છે, તેથી શરીર ની સાચવણી સવિશેષ રાખવી પડે છે. 
ઋતુઓ ના ફેરફારો થી કુદરતી રીતે શરીર માં કચરો એકઠો થાય જ છે. આ કચરો આગળ ઉપર જતા રોગ કરનાર ના બને તે માટે આયુર્વેદ માં ઋતુ મુજબ પંચકર્મ ની ગોઠવણી કરવામાં આવી છે.
શરદઋતુમાં અતિ આવશ્યક પંચકર્મ - વિરેચન :
આયુર્વેદમાં શરદઋતુમાં તંદુરસ્ત રહેવા માટે વિરેચન - પંચકર્મ કરાવવાનો વિશેષ નિર્દેશ છે. મનુષ્ય શરીરોમાં વર્ષાકાળમાં સંચિત(એકઠું) થયેલું પિત્ત શરદઋતુમાં પ્રકુપિત(દૂષિત થઈને વધે) થઈ જાય છે. આ ઋતુમાં રોગી તેમજ સ્વસ્થ વ્યક્તિઓએ પણ વિરેચન અવશ્ય કરાવવું જોઈએ- જેથી શરદઋતુમાં અને આવનારાં સમગ્ર વર્ષ દરમિયાન પિત્તની તકલીફોથી બચી શકાય. 
વજન ઘટાડવું, પેશીઓનો કાયાકલ્પ અને શરીરની સંપૂર્ણ સફાઇ પંચકર્મ થી મેળવી શકાય છે. 
પંચકર્મ ચિકિત્સા:-પાંચ કર્મો દ્વ્રા આખા શરીરની શુધ્ધિ કરી અને કષ્ટસાધ્ય રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
વમનકર્મ
વિરેચન કર્મ
બસ્તિ કર્મ
નસ્ય કર્મ
રક્તમોક્ષણ કર્મ
આ પંચકર્મ સાથે અન્ય કર્મો પણ જોડાયેલા છે.
સ્નેહન
સ્વેદન
કટીબસ્તિ
જાનુબસ્તિ
કર્ણપૂરણ
અક્ષિતર્પણ
કવલ
ગંડૂષ
શિરોધારા
શિરોબસ્તિ
શિરોબસ્તિ જેનાથી વાળના રોગો, માનસ રોગ, હાઈપર ટેન્શન, અનિદ્ધા વગેરેમાં શીઘ્ર પરિણામ મેળવી શકાય છે.
શિરોધારા 
માનસિક તાણથી થતાં રોગોનો પ્રતિકાર કરવા માટે શિરોધારા અકસીર વિકલ્પ છે શિરોધારા.
આજકાલ દરેક વ્યક્તિ કઈંક ને કઈંક કારણોસર સ્ટ્રેસ - તણાવ નો ભોગ બની રહી છે....દિવસે દિવસે ડિજિટલ જિંદગીનો ભાર વધતો જાય છે. કહેવાય તો એવું છે કે, જેમ જેમ ડિજિટાઇઝેશન વધતું જશે તેમ તેમ રોજીંદુ જીવન સહેલું થતું જશે. પણ હકીકત એ છે કે, દિન પ્રતિદિન સ્ટ્રેસ વધી રહ્યો છે......આજે સમયની સાથે દોટ મૂકનાર માનવ સ્ટ્રેસની સમસ્યાનો સૌથી વધુ શિકાર બની રહ્યો છે. મનની આ સમસ્યાને પરિણામે દેહમાં અનેક રોગો ઘર કરી રહ્યા છે. રાતે ઊજગરા અને અપૂરતી નિંદ્રા એ તણાવની માત્રા મા વધુ વધારો કર્યો છે. માઇગ્રેન...સોરાયસીસ કે વ્યન્ધત્વ જેવી બિમારીઓ પણ તણાવ મા વ્રુદ્ધિ કરે છે....શરીરમાં કફ, પિત્ત ને વાયુનું સંતુલન કરે છે......માથું દુખવુ-વાળ અકાળે સફેદ થવા-વાળ નો જથ્થો ઘટવો-વાળ ખરવા વગેરે અનેક લક્ષણો જોવા મળે છે. સતત અનુભવાતી માનસિક તાણ વ્યક્તિને ડિપ્રેશનમાં ધકેલી દે છે. આયુર્વેદ પાસે તેનો અકસીર ઇલાજ છે.
આજકાલ વાળ ખરવા, વાળમાં નાની ઉંમરમાં ટાલ દેખાવી, અકાળે વાળ સફેદથઇ જવા, વાળ ખૂબ જ બરછટ થઇ જવા, વાળમાં ઉંદરી જેવા રોગો થવા આ બધી સમસ્યાઓ નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ ખૂબ જ વધી ગઈ છે. આ સાથે વાળની દરેક પ્રકારની સમસ્યાનું એક અચૂક સમાધાન હોય તો તે છે, 'શિરોધારા' આયુર્વેદની આ પધ્ધતિમાં વાળનાં દરેક પ્રકારનાં રોગો માટે 'રામબાણ' ઇલાજ સાબિત થઇ શકે છે. શિરોધારાથી વાળનાં જુદા જુદા રોગો તો મટે જ છે, ઉપરાંત વાળનું મોઇશ્ચર પણ વધે છે. વાળ સુંદર, ઘાટા અને ચમકીલાં બને છે, શિરોધારા કરાવવાથી અકાળે વાળ સફેદ થતાં નથી અને ખરતાં પણ અટકે છ. વાળની સુંદરતા વધારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
પાર્કિન્સન્સને આયુર્વેદમાં કંપવાત તરીકે ઓળખાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ વૃદ્ધાવસ્થાનો વ્યાધિ છે......આ રોગની મુખ્ય સારવાર પંચકર્મ છે, તેમાં પણ શિરોધારા મહત્ત્વની સારવાર છે. ઉપરાંત બસ્તિ ચિકિત્સા, અભ્યંગ, સ્નેહપાન વગેરેથી પણ રોગ કાબૂમાં આવે છે.
અનિદ્રાની તકલીફથી પીડાતા દરદીઓ શિરોધારાની સારવાર દરમિયાન જ નિદ્રામાં સરકી પડતા જોવા મળે છે.
શિરોધારા એ એક મેડિટેશન છે. તેનાથી માનસિક તાણ ઓછી થાય છે. માનસિક તાણથી થતી અનેકવિધ બીમારીઓ સામે શિરોધારા રક્ષણ આપે છે. આજે સ્વાસ્થ્ય રક્ષણ માટે એટલે કે બીમારીથી બચવા માટે દવાઓ પાછળ બહુ જ મોટી રકમનો ખર્ચ કર્યા પછીય તેની આડઅસરનો ભોગ બનતા દરદીઓને આડઅસર વિનાની અકસીર સારવાર પદ્ધતિ એટલે શિરોધારા.
શિરો એટલે કે મસ્તક અને તેના કપાળમાં ધારા કરવામાં આવે છે. તેને શિરોધારા કહી શકાય. આ ધારામાં દરેક દર્દીની જરૂરિયાત મુજબ ઔષધથી સિદ્ધ કરેલા પ્રવાહીની ધારા કરવામાં આવે છે. ઔષધથી સિદ્ધ કરેલા પાંચ પ્રવાહીમાં- તેલ, છાશ, જળ, ક્વાથ કે ઉકાળો અને ઘી નો સમાવેશ થાય છે.
સ્વસ્થ વ્યક્તિની સ્મૃતિશક્તિમાં વધારો થાય છે. માનસિક તળાવમાં પણ આ ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ રાહત અપાવી શકે છે. આ વિધિથી સ્ટ્રેસ તો દૂર થાય છે પણ તેનાથી વધતા હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, સોરીયાસીસ જેવા ચામડીના દર્દો કે ઉદ્વેગ ચિંતા જેવા રોગો પણ દૂર થાય છે. 
મન ખુબ જ શાંત થાય છે..વિચારવાયુ દૂર થાય છે...એન્ઝાઈટી, ડીપ્રેશન જેવાં માનસિક રોગોમાં ફાયદો થાય છે...વાળ ખરાવા, ખોળો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત થાય છે કે દૂર થાય છે.....માથાનાં દુઃખાવા, માયગ્રેન વગેરેમાં લાભ થાય છે....વાળ નો જથ્થો વધે છે.....મન એકાગ્ર બને છે...અનિદ્રા દૂર થઈ ખુબ જ ગાઢ ઊંઘ આવે છે...માથામાં રક્તનું પરિભ્રમણ સુધારે છે. જેથી વાળનું ઉચિત રક્ષણ અને પોષણ થવાથી ખરતા વાળ, ખોડો, અકાળે સફેદ થઈ ગયેલા વાળ, ઉંદરી, ટાલ પડવી, વાળ રૂક્ષ તથા બરછટ થઈ જવા વગેરે વાળનાં રોગો ઉદભવતા જ નથી...યાદશક્તિ વધારે છે.....વિચારવાયુ નાશ પામે છે......ટેન્શનલ હેડેક...હાય બ્લડપ્રેશર વગેરે માં રાહત અનુભવાય છે.....સાથે અનિદ્રા, માનસિક રોગો, વાળની સમસ્યાઓ, માથાનાં દુઃખાવા વગેરેમાં લાભ થાય છે. શિરોધારા થી વિચારો શૂન્ય થઇ જાય છે. તેથી મન શૂન્ય થઇ જાય છે. અને મન શૂન્ય થઇ જાય ત્યારેજ શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે. શિરોધારા મનને વિચાર શૂન્ય બનાવીને શાંતિની અનુભૂતિ કરાવે છે. આમ મનની અને તેના થકી થતી દેહની સમસ્યાઓનું નિવારણ કરવામાં શિરોધારા અકસીર છે.
હજુ તો યુવાનીમાં પદાર્પણ પણ ના થયું હોય ત્યાં સફેદ વાળ માથામાં પગદંડો જમાવી દે છે. આમાં પણ શિરોધારા એક અકસીર આશીર્વાદરૂપ ઇલાજ છે.
જ્ઞાનતંતુની બીમારીમાં, યાદશક્તિ ઓછી હોવી, ભણવાનું થોડીવારમાં ભૂલાઈ જતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ શિરોધારા એક અક્સીર ઇલાજ છે. 
આજનાં ભાગ દોડ અને માનસિક તણાવથી ભરેલાં જીવન માં શિરોધારા જાણે મનની શાંતિ તરફ લઇ જતો આયુર્વેદ નો રસ્તો છે. 
શિરોધારા થી અનિંદ્રા તો દૂર થાય છે પરંતુ સ્મૃતિ શક્તિનો વિકાસ કરીને, મનને શાંત કરીને તે આળસથી દૂર કરીને વ્યક્તિને સ્ફૂર્તિ તરફ દોરી જાય છે
શિરોધારા ની પ્રક્રિયામાં તલનું તેલ શરીરની સર્વ ઈન્દ્રિયોનું રક્ષણ કરે છે અને વાળને સુંદર બનાવે છે.
શિરોધારા વડે વાળની વિવિધ સમસ્યાઓ નું સમાધાન થાય છે. જેમકે ખોડો લીખ જુ કે વાળ ખરવા, ટાલ પડવી, ઉંદરી થવી, વાળની શુષ્કતા જેવા રોગોમાં શિરોધારા વડે ફાયદો થાય છે. 
મગજને લગતી તેમજ જ્ઞાનતંતુઓને લગતી બીમારીઓમાં પણ શિરોધારા ખુબ જ અસરકારક છે. શિરોધારા વડે મસ્તકને બલ પ્રાપ્ત થઇ છે.
આ તમામનો રોગાનુસાર પ્રયોગ કરી રોગમુક્તિ મેળવી શકાય છે.
વાત-પિત્ત-કફ શું છે ?
આ સૃષ્ટિ પંચમહાભૂતોની બનેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતો જ પ્રાણીઓના શરીરરૂપી પિંડમાં પણ મળે છે. શરીરમાં વાત, પિત્ત, અને કફ એ આ પંચમહાભૂતોનાં જ સ્વરૂપ છે. ખાલી જગ્યા તે આકાશ છે. પૃથ્વી અને જળ તે કફ છે. તેજ અથવા અગ્નિ તે પિત્ત છે અને વાયુ તે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રકારે રહેતો વાયુ છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે.
પિત્ત અને કફની સરખામણીમાં વાયુ વધુ શક્તિશાળી છે. પિત્ત અને કફ પાંગળા છે, તેમને પ્રવૃત્ત કરનાર વાયુ છે.
આયુર્વેદ એ હજારો વર્ષોના અનુભવથી રચાયેલ સાયન્સ છે. હજારો વર્ષો પસાર થયા છતાં પણ દિનપ્રતિદિન તે વધુને વધુ ઉપયોગમાં આવતું જાય છે..
તો આવો પંચકર્મ ને અપનાવીએ.
આયુર્વેદ અને પંચકર્મ સ્પેશિયાલિસ્ટ 
ડો ઉન્નતી ચાવડા....
Call 9773170560/9825463394
એકસાથે બધા જ પંચકર્મો કરાવવા ઘણા જ અઘરા છે. જો કોઈ વ્યક્તિનો રોગ 5 થી 10 વર્ષ જૂનો હોય અને તે રોગ માત્ર 10 થી 15 દિવસ માં પંચકર્મ સારવારથી સંપૂર્ણ મટી જાય તેવી આશા રાખે તો તે શક્ય નથી. આ માટે પંચકર્મ સારવાર વારંવાર તથા થાક્યા વગર નિમિત રીતે કરવી પડે છે. આ સિવાય રોગ મટાડવાનો આગ્રહ ભૂલ ભરેલો છે.
યોગ અને આયુર્વેદ એક જ છે. યોગ અને આયુર્વેદના ધ્યેય વિવિધ છે. યોગ અને આયુર્વેદને સાથે જોડી ઘણું સારૂ કામ થઈ શકે. યોગ અને આયુર્વેદ જોડાયેલા વિજ્ઞાન છે. જીવન સુખી ક્યારે કહેવાય ? જ્યારે મનુષ્ય સ્વસ્થ્ય ,સમૃદ્ધ અને સફળ રીતે જીવન જીવે . આ માટે મનુષ્યનો શારીરિક ,માનસિક ,બૌદ્ધિક અને અધ્યાત્મિક વિકાસ અત્યંત આવશ્યક છે .મનુષ્યના આ ચતુર્દશી ચતુષ્ટય વિકાસ માટે યોગશાસ્ત્ર એટલેકે યોગસાન અને પ્રાણાયામ તથા આયુર્વેદશાસ્ત્ર હિંદુસ્થાન(પ્રાચિન ભારત)ના ઋષિઓ (પ્રાચિન વૈજ્ઞાનિકો) એ આશરે ૫૦૦૦ વર્ષ પૂર્વે જગતને ભેટ આપ્યાં છે.
આયુર્વેદે શરીર સ્વાસ્થ્ય માટે આહારને પ્રમુખ મહત્વ આપ્યું છે. માટે જ કહ્યું છે, "આહાર એ જ ઔષધ ".ઊંઘ, આહાર,વ્યવહાર વિવેકમાં તેટલા સારાં.આપણે જે કાઈ ખાદ્યપદાર્થ ખાઈએ છીએ તે ખોરાક. આ ખોરાક માથી, આયુર્વેદશાસ્ત્ર કહે છે,"સપ્ત-સાતધાતુનું નિર્માણ થાય છે". આ સપ્તધાતુ 1) રસ (લાળ અને લસિકા) 2) રક્ત (લોહી,રુધિર) 3) માંસ(સ્નાયુ) 4) મેદ (ચરબી) 5) મજ્જા (બોનમેરો) 6) અસ્થિ (હાડકાં) 7) શુક્ર (વીર્ય -રજ) છે. આમાંથી કોઈપણ ધાતુ દૂષિત થાય કે વિકૃત થાય ત્યારે પણ કષ્ટદાયી વિકારો ઉત્પન્ન થાય છે.....જે અસાધ્ય રોગો છે..
સુવર્ણપ્રાશન સંસ્કાર
સુવર્ણપ્રાશન ક્યારે?
બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર.
સુવર્ણપ્રાશન ( આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા : 
* બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
* જઠરાગ્નિ અને બળ વધારે છે.
* પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે.
* અગ્નિ અને બળ વધારવાવાળું છે.
* બાળકનું રોગોથી રક્ષણ થાય છે
* પાચન શકિત સુધરતાં પેટની તકલીફો રહેતી નથી.
* બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે
* બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
• શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે. બાળકનો વાન ઉજળો બને છે.
• તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે. 
વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે. 
જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી.
દરેક રોગ સામે બાળકને રક્ષણ મળી રહે તે માટે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા જ બધી જાય તેવું આયોજન કરીને બધાં જ રોગો સામે એક જ શસ્ત્ર .... અને તે એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર.....‘સુવર્ણ’ એટલે સોનું અને ‘પ્રાશન’ એટલે ચટાડવું


No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...